જામનગરનાં ટાઉનહોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના “ગરીબ કલ્યાણ સંમેલન”નું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સરકારની વિવિધ યોજનાનાં ૨૨૦૦ લાભાર્થીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો. રાજ્યભરમાં આયોજીત ‘ગરીબ કલ્યાણ સંમેલનમાં’ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાનએ ગુજરાત સહિત દેશભરના લાભાર્થી- નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના ૧૦ કરોડથી વધુ ખેડૂતોને ૧૧માં હપ્તાની ચુકવણી પેટે રૂ.૨૧હજાર કરોડથી વધુની રકમ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાએ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જામનગર શહેરમાં અત્યાર સુધી આવાસના લાભાર્થીઓ તથા ખાનગી મકાનો ધરાવતા કુલ ૯૭૦૦ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂ.૨.૬૭ લાખની વ્યાજ સહાય, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના ૧.૦ હેઠળ ગુજરાત રાજ્યમાં આજ સુધીમાં કુલ ૨૯ લાખ ગેસ કનેક્શન પૈકી જામનગર જિલ્લામાં કુલ ૬૯૫૧૪ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના ૨.૦માં લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ જોડાણ પૂરું પાડવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ ૧૭૮૯૫ કે.વાય.સી. પૂર્ણ થયેલ છે, વન નેશન વન રેશન કાર્ડ હેઠળ જામનગર જિલ્લામાં એપ્રિલ -૨૦૨૨માં કુલ ૩૨૮૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે, કિસાન સમ્માન નિધી યોજના હેઠળ જામનગર જિલ્લામાં ફેબ્રુઆરી ૨૦૧૯ થી એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ૧,૩૯,૯૧૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેને ૨.૫૪ અબજથી વધુની સહાય, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજના હેઠળ જામનગર જિલ્લામાં કુલ ૩૨,૨૨૨ લાભાર્થી કુટુંબો છે. આ ઉપરાંત મંત્રીએ પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ અને જલ જીવન મિશન, પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના, મુદ્રા યોજના સહિતની યોજનાઓની ઉપસ્થિત લાભાર્થીઓને જાણકારી આપી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી છે. અને છેક છેવાડાના માનવી સુધી સરકાર દ્વારા તમામ લાભો પહોચાડવામાં આવ્યા છે. જન ધન ખાતાના માધ્યમથી લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય મળે છે. તેનાથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ રહ્યો છે. ભારત દેશમાં વિશ્વની સૌથી મોદી આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. જેનાથી વ્યક્તિદીઠ રૂ.૫ લાખની આરોગ્યલક્ષી સહાય મળે છે. સરકાર દ્વારા લોકોનું જીવન સ્તર ઊંચું લાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જામનગરનાં મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, ખેડૂત પરસેવાની મહેનતથી ધરતી ચમકાવે છે. તેમના સન્માન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સબસિડી સહિતની અનેક યોજનાઓ અમલમાં મૂકી તેમનું સમ્માન કરવામાં આવી રહ્યું છે. તેમજ ૮વર્ષના કાર્યકાળમાં ગરીબોનું જીવનધોરણ ઊંચુ લાવવાના સતત પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
શિમલાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સીધા સંવાદ કાર્યક્રમમાં જામનગરના ટાઉનહોલમાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓ સહભાગી થયા હતા અને પોતાને મળેલ સહાય બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકાર તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું,ડેપ્યુટી કમિશનર વસ્તાણી,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રાયજાદા વિવિધ કમિટીના સભ્યઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું.


