Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરરિક્ષામાં બેસેલા મુસાફરોને ડરાવી-ધમકાવી લૂંટી લેતી ગેંગ ઝડપાઇ - VIDEO

રિક્ષામાં બેસેલા મુસાફરોને ડરાવી-ધમકાવી લૂંટી લેતી ગેંગ ઝડપાઇ – VIDEO

જામનગરના દંપતિ સહિત પાંચ શખ્સો ઝડપાયા : જામનગરમાં વૃદ્ધાને ધમકાવી સોનાની બંગડીની લૂંટ : સિટી ‘એ’ ડિવિઝન પોલીસે દબોચ્યા : રિક્ષા અને બંગડી સહિતનો મુદામાલ કબ્જે

જામનગર શહેરના ઘાંચી કબ્રસ્તાન વિસ્તારમાં રહેતાં વૃદ્ધા સીએનજી રિક્ષામાં બેસીને દર્શન કરવા જતા હતા ત્યારે રિક્ષામાં સવાર મહિલા સહિતના પાંચ શખ્સોએ વૃદ્ધાને ઇજા પહોંચાડી કટ્ટર વડે કાપીને રૂા. 80 હજારની સોનાની બંગડીની લૂંટ ચલાવ્યાના બનાવમાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસે મુસાફરોને લૂંટી લેતી મહિલા સહિતના પાંચ સાગરીતોની ગેંગને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

લૂંટના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઘાંચી કબ્રસ્તાન પાસે, ક્રિષ્ના પાર્ક પાસે રહેતા સવિતાબેન બચુભાઇ ઝાલા (ઉ.વ.70) નામના વૃદ્ધા ગત્ તા. 13ના બપોરે બાર વાગ્યાના અરસામાં તેના ઘરે પાસેથી ફૂલિયા હનુમાન જવા માટે સીએનજી રિક્ષા નંબર જીજે10-ટીઝેડ-1803માં બેસીને જતા હતા ત્યારે રિક્ષાના ચાલક અને મહિલા સહિતના પાંચ શખ્સોએ રિક્ષા છોડી આગળ ગયા બાદ વૃઘ્ધાને ભીંસમાં લીધા હતા. મહિલા તથા અન્ય શખ્સોએ પકડી રાખતા વૃદ્ધા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી ગેેંગએ વૃદ્ધાનું મોઢું દબાવી દીધું હતું. ચાલુ રિક્ષામાં જ બે અજાણ્યા શખ્સોએ કટ્ટર કાઢી વૃઘ્ધાના હાથમાં પહેરેલી રૂા. 80 હજારની કિંમતની એક તોલાની સોનાની એક બંગડી કટ્ટર વડે, બળજબરીથી કાપીને લૂંટ ચલાવી વૃદ્ધાને ઉતારી મૂકી પલાયન થઇ ગયા હતા.

- Advertisement -

ત્યારબાદ બનાવ અંગેની જાણ કરાતાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા તથા વિજયભાઇ કાનાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી ‘એ’ ડિવિઝનના પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સ્ટાફએ સીસીટીવી ફુટેજના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે ખંભાળિયા બાયપાસથી લાલપુર ચોકડી તરફ આવી રહેલી જીજે10-ટીઝેડ-1803 નંબરની સીએનજી રિક્ષાને આંતરી લીધી હતી. સીએનજી રિક્ષામાંથી પોલીસે રિક્ષાચાલક રૂપેશ ઉર્ફે રૂપા જેરામ પરમાર (ઉ.વ.50, રહે. જામનગર) અને તેની પત્ની વીજુબેન રૂપેશ ઉર્ફે રૂપા જેરામ પરમાર (ઉ.વ.48, રહે. જામનગર), અજય ઉર્ફે અરજણ બેરો ભીમા સોલંકી (ઉ.વ.47, રે. રાજુલા, તા. અમરેલી), સુરેશ ઉર્ફે થાપરો લાલજી સોલંકી (ઉ.વ.30, રહે. રાજુલા, તા. અમરેલી), આકાશ ચંદુ પરમાર (ઉ.વ.22, રહે. જામનગર) નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસે દંપતિ સહિતના પાંચ શખ્સોની પૂછપરછ કરતાં આ ગેંગ રિક્ષામાં એકલા બેસેલા મુસાફરને ડરાવી-ધમકાવી સોનાના દાગીના તથા રોકડની લૂંટ ચલાવતા હતા. તેમજ પોલીસની ટીમએ લૂંટારૂ ગેંગ પાસેથી રૂા. 80 હજારની કિંમતની સોનાની બંગડી, રૂા. દોઢ લાખની કિંમતની સીએનજી ઓટોરિક્ષા નંબર જીજે10-ટીઝેડ-1803 અને રૂા. 4 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, નેઇલ કટર સહિતનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં અજય ઉર્ફે અરજણ ઉર્ફે બેરો ભીમા સોલંકી વિરૂઘ્ધ અમદાવાદના વાસણા, અમરેલીના રાજુલામાં 3, ભાવનગરના સોનગઢ, નિલમબાગ, મોરબીમાં સિટી ‘એ’ ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે. સુરેશ ઉર્ફે થાપરો લાલજી સોલંકી વિરૂઘ્ધ રાજકોટના ગાંધીગ્રામ, અમરેલીના રાજુલામાં બે ગુના, ભાવનગરના મહુવા તથા નિલમબાગમાં એક-એક ગુન્હો તથા આકાશ ચંદુ પરમાર વિરૂઘ્ધ જામનગરના સિટી ‘એ’ ડિવિઝનમાં એક ગુનો નોંધાયેલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular