જામનગરની જી. જી. હોસ્પિટલ હાલમાં તાવ-શરદી-ઉધરસ સહિતના વાયરલ કેસોના દર્દીઓથી ઉભરાય છે. વાયરલ રોગચાળાના કેસો વધી રહ્યા છે. જેને પરિણામે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. દર્દીઓની લાંબી કતારો જોવા મળતા દર્દીઓ તથા પરિવારજનોને લાંબી કતારોમાં ઉભા રહી સારવાર લેવાની ફરજ પડે છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે ત્રણ દિવસમાં કમોસમી વરસાદ થયા છે. તો બીજી તરફ બદલાતા વાતાવરણ અને મિશ્ર વાતાવરણને કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. ચોમાસા બાદ મચ્છરજન્ય રોગોના કેસો વધતા હોય છે. કમોસમી વરસાદ અને મિશ્ર વાતાવરણને કારણ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. હાલમાં ઠેર ઠેર ગંદકી અને મચ્છરોને કારણે ઘરે ઘરે તાવ-શરદી અને વાયરલ ઈન્ફેકશનના કેસોનું પ્રમાણ વધ્યું છે. જી. જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર હાલમાં દૈનિક 700 થી વધુ દર્દીઓ ઓપેડીમાં નોંધાય છે. તેમજ ડેન્ગ્યૂના પણ દૈનિક 25 થી 30 કેસો નોંધાય છે. લગભગ 14 દિવસમાં 250 જેટલા ડેન્ગ્યૂના કેસો નોંધાયા છે. તાવ, શરદી – ઉધરસ જેવા વાયરલ રોગચાળાના કેસો વધતા જી. જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જામી છે.
જામનગરની જી. જી. હોસ્પિટલમાં કેસબારી, દવાબારી કે ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ કમોસમી વરસાદ અને બફારા વચ્ચે હોસ્પિટલમાં દર્દીઓ લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. મિશ્ર વાતવરણને પરિણામે રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે આ અંગે તંત્ર પણ સફાઈ સહિતના તાકીદે પગલાં લે તે પણ જરૂરી છે. માત્ર જી. જી. હોસ્પિટલમાં જ દૈનિક 700 થી વધુ ઓપીડીમાં દર્દીઓ નોંધાય છે ત્યારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ આ આંકડો વધુ હોય શકે છે.