ચોમાસાની શરૂઆત પહેલાં જ પીજીવીસીએલ દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી અંતર્ગત વીજકાપ લાદવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રની સૌથી મોટી જી. જી. હોસ્પિટલમાં આજે સવારથી એક કલાક કરતાં વધુ સમયથી વીજ પૂરવઠો ખોરવાઈ જતાં હોસ્પિટલમાં આવતા અસંખ્ય દર્દીઓ મુશ્કેલમાં મૂકાઈ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સીઝન શરૂ થાય તે પૂર્વે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે અને આ કામગીરી અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ ઝીંકવામાં આવતો હોય છે. ઉનાળામાં ચોમાસા પૂર્વેની કામગીરી દરમિયાન વીજકાપ અને ચોમાસામાં વરસાદ પડવાથી વીજકાપ લાદવામાં આવે છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે. દરમિયાન આજે સવારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો અને આ વીજકાપ એક કલાક કરતા વધુ સમયથી ખોરવાયેલો રહેતાં જી. જી. હોસ્પિટલમાં બહારગામથી આવતા અસંખ્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં અને જી. જી. હોસ્પિટલના દરેક વિભાગ બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી તેમજ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ સહિતની અનેક વિભાગોની ઓફિસો ખાલી જોવા મળી હતી.