Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતકચ્છના ધોરડોમાં જી-20 ટુરિઝમ ગ્રુપની બેઠકનો પ્રારંભ

કચ્છના ધોરડોમાં જી-20 ટુરિઝમ ગ્રુપની બેઠકનો પ્રારંભ

વિદેશી મહાનુભાવોનું કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું : મુખ્યમંત્રીએ ધોરડોમાં કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કર્યું

- Advertisement -

કચ્છના ધોરડોમાં જી-20 ટુરિઝમ વકિંગ ગ્રુપની બેઠકનો ગઇકાલથી પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલા વિદેશી મહાનુભાવોનું એરપોર્ટ પર કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે રાત્રે રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક નિહાળીને વિદેશી મહાનુભાવો અભિભૂત થયા હતા. દરમ્યાન બેઠકના આજે બીજા દિવસે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમણે ધોરડોમાં નિર્મિત્ત ગેટવે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કર્યુ હતું.

- Advertisement -

કચ્છના ધોરડોમાં જી-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા. જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્ર્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી. બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા. સીદીઓના ધમાલ નૃત્ય બાદ જી-20ના લોગો “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યા હતા જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ નૃત્યને અતુલ્ય પ્રતિભાવ મળ્યો હતો. વિદેશ મંત્રાલયના ડી. ડી.જી., આઈ.સી.સી.આર. અભયકુમાર તેમજ અન્ય મહાનુભાવોએ આ ગ્રુપના કલાકારોને સ્ટેજ પર જઈને બિરદાવ્યા હતા. આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી.

- Advertisement -

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન જી-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યારસુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular