રાજ્યની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચુંટણીઓનું મતદાન આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયું હતું. મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ ચૂકી છે. દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો પૈકી એક બેઠક બીનહરીફ થયા બાદ આજે 21 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 63.70 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે દ્વારકાની કુલ 4 તાલુકા પંચાયતની 80 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 62.09 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 64.76 ટકા, દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 56.66 ટકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 67.44 ટકા મતદાન થયું છે. ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે 55.25 ટકા મતદાન થયું હતું. તેમજ જામરાવલ નગરપાલિકાની 24 બેઠકો માટે 70.05 ટકા મતદાન થયું હતું. આ મતદાનની તા.2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે.