જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ અડિંગો જમાવ્યો છે. 10 ડિગ્રી આસપાસ સ્થિર થયેલાં ન્યુનત્તમ તાપમાનને કારણે ટાઢોડું ઘર કરી ગયું છે. સતત ઠંડી અને સૂસવાટા મારતા ઠંડા પવનોને કારણે જનજીવન સાથે પશુ-પક્ષીઓ પણ ઠૂંંઠવાઇ ગયા છે. સતત નીચા તાપમાનને કારણે દિવસે પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
તેમજ તાપમાનનો પારો 10-11 ડિગ્રી આસપાસ હોવા છતાં લોકોને 6-7 ડિગ્રી જેવી ઠંડી અનુભવાઇ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સર્વત્ર બેઠો ઠાર છવાઇ જતાં ફૂટપાથ પર અને ઝૂંપડાઓમાં રહેતાં લોકોની હાલત કફોડી બની છે. હજુ બે દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે તો ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધુ એક માવઠાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.