કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે.વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત સરકારની માહિતી અનુસાર,છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત મફત સારવાર મેળવી છે. આ લાભાર્થીઓ દ્વારા જમા કરાયેલા ક્લેમ કાઉન્ટની વાત કરીએ તો આ આંકડો 2 લાખ 99 હજારથી વધુ છે.
PMJAY-MA હેઠળ,ડાયગ્નોસ્ટિક એન્જીયોગ્રામ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફિ્ંટગ,વાલ્વ પ્રોસીજર,પેસમેકર ઇમ્પ્લાન્ટેશન,AICD-ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર, ડિવાઇસ ક્લોઝર, ફેમોરલ બાયપાસ અને વેન્ટ્રિક્યુલર પેસિંગ જેવી તમામ પ્રકારની હૃદયરોગની સારવારની સુવિધા આપવામાં આવે છે. ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં હૃદયરોગની તપાસ અને સારવાર માટે 1614 કરોડ ખર્ચ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018થી સપ્ટેમ્બર 2023 વચ્ચે રાજ્ય સરકારે આ PMJAY-MA હેઠળ હૃદય રોગની સારવાર માટે 1614 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.