આજે વિશ્ર્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ તથા પક્ષીપ્રેમીઓ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. 20 માર્ચને વિશ્ર્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગરના પક્ષીપ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતાં બર્ડ સેવર ફિરોઝખાન પઠાણ અને તેમના ગ્રુપ દ્વારા સતત 13માં વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. ડીકેવી સર્કલ ખાતે આ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જામનગરના કોર્પોરેટર અને પક્ષીપ્રેમી ડિમ્પલબેન રાવલ દ્વારા પણ આજે વિશ્ર્વ ચકલી દિવસે ચકલીના માળા તથા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પક્ષીપ્રેમીઓની આ સેવાની પહેલને શહેરીજનોએ હર્ષભેર સ્વીકારી પક્ષીપ્રેમ સાથે આ ચકલીના માળા તથા પાણીના કુંડા મેળવ્યા હતાં.