કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર ઇસ્ટ તથા ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા સ્વ. ડો.મધુસુદન શાસ્ત્રીની યાદગીરી રૂપે મહર્ષિ પરિવાર તેમજ ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી જામનગર ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્સર જેવા રોગની નાબૂદી માટે સંસ્થા દ્વારા ગામડે ગામડે ખાસ કેમ્પો કરવામાં આવી રહ્યા છે તેમજ જનજાગૃતિ માટે સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે બાબત પ્રશંસનીય છે. ડોક્ટરો, દાતાઓ તથા સંસ્થાની લોકોને ઉપયોગી થવાની ભાવનાના કારણે આ પ્રકારના કલ્યાણકારી કાર્યો શક્ય બન્યા છે. સતત સમાજને ઉપયોગી થઇ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ તેમજ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ લાયન્સ ક્લબ તથા ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીના હોદ્દેદારોને મંત્રીએ આ તકે અભિનંદન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી.
આ કેમ્પમાં ૩૫ થી ૬૫ વર્ષના બહેનો માટે ગર્ભાશયની તપાસ, મોઢાની તપાસ, સ્તનની તપાસ, દસ વર્ષથી ઉપરના તમામ ભાઈઓનું માઉથ ઓરલ સ્કેનિંગ સહિતના રૂ.પાંચ હજારથી પણ વધુ કિંમતના ચેક અપ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
આ તકે મેયર બીનાબેન કોઠારી, લાયન્સ ક્લબના ગોવિંદ ભાટુ, અમરજીતસિંઘ આહલુવાલિયા, એસ.કે ગર્ગ, હિરલબા જાડેજા, ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીના રમણીકભાઇ શાહ, અરવિંદભાઈ શાહ, કિર્તીભાઇ ફોફરીયા તેમજ કાંતિભાઈ મહર્ષિ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.