જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં ઝવેરી ઝાપામાં રહેતાં રહેતા વૃદ્ધાના ઘરેથી છેતરપિંડીના બનાવમાં સિટી એ ડીવીઝન પોલીસે મહિલાને બે લાખના સોનાના દાગીના સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતાં મહિલાએ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 24 સ્થળોએ આ પ્રકારે વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી હોવાની કેફીયત આપી હતી.
બનાવની વિગત મુજબ, એક સપ્તાહ પૂર્વે જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલા ઝવેરી ઝાપામાં રહેતાં રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃધ્ધા તેના ઘરે એકલા હતાં ત્યારે અજાણી મહિલાએ ઘરમાં આવીને સરકારી સહાય અપાવી દેવાના બહાને વિશ્ર્વાસમાં લઇ વૃધ્ધા પાસે રહેલા રૂા. 160000 ની કિંમતની ચાર સોનાની બંગડી, રૂા.60000 ની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.100000 ની કિંમતની બે બંગડી, રૂા.40000 ની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.40000 ની કિંમતની સોનાની બે નંગ વીટી, રૂા.20000ની કિંમતની સોનાની બે બુટી સહિત રૂા.4.20 લાખના દાગીના બેંકના લોકરમાં મૂકી દેવા માટે લઇ જઇ પલાયન થઈ ગઈ હતી આ બનાવમાં સિટી એ ડીવીઝનના યોગેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્ર પરમાર, હેકો શૈલેષ ઠાકરીયા, પો.કો. વિજય કાનાણી અને રવિ શર્માએ સીસીટીવી ફુટેજો તપાસતા ભોગ બનનાર વૃદ્ધા પાછળ એક મહિલા રેકી કરતી હોવાનું જણાતા ફોટાના આધારે તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે છેતરપિંડી આચરનાર સાહીદાબીબી ઉર્ફે સલમા ઉર્ફે ચકુ ફીરોજખાન પઠાણ (રહે. દાધજીપુરા, આણંદ) નામની મહિલા રાજસ્થાનમાં હોવાની બાતમીના આધારે પોલીસે રાજસ્થાનમાંથી દબોચી લઇ જામનગર લઇ આવ્યાં હતાં. પૂછપરછ હાથ ધરતા મહિલાએ વર્ષ 2015 થી લઇ ને આજ દિવસ સુધીમાં કુલ 24 વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં મહિલા વિરૂધ્ધ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે મહિલાની અટકાયત કરી તેની પાસેથી રૂા.2 લાખની કિંમતની સોનાની ચાર બંગડી કબ્જે કરી હતી.