જામનગર શહેરમાં પંડિત નહેરુ માર્ગ પર આવેલા ન્યુ સ્કવેરમાં કપડાની દુકાન ધરાવતા વેપારીને ત્યાં મહિલા સહિત આવેલા ત્રણ શખ્સોએ વેપારીને વિશ્ર્વાસમાં લઇ પાડતોડ દરમિયાન દિવાલમાંથી એક કિલોનો સોનાનો ખોટો ચેઈન પધરાવી દઇ ચાર લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની દેવીસિંગ હેમતસિંગ ભાટી નામના વેપારીની ન્યુ સ્કવેરમાં આવેલી જોધપુર રજવાડુ નામની દુકાનમાં ગુરૂવારે સવારના સમયે પંકજરામ મોટારામ, રમેશરામ મોટારામ અને એક અજાણી મહિલા સહિતના રાજસ્થાનના સિરોહી ગામના ત્રણ શખ્સોએ આવી વેપારી દેવીસિંગ સાથે વાતચીત કરી વિશ્ર્વાસમાં લીધા હતાં અને ત્યારબાદ વેપારીને એવું જણાવ્યું હતું કે, જૂનાગઢમાં મિસ્ત્રી કામ કરતા હતાં તે દરમિયાન દિવાલ તોડતા સમયે તેમાંથી એક કિલોનો સોનાનો જૂનવાણી ચેઇન મળી આવ્યો છે. જે અમારે વેંચવો છે તેમ જણાવી તેની સાથેનો બોગસ સોનાનો ચેઈન વેપારીને બતાવ્યો હતો. જેથી વેપારીએ લાલચમાં આવીને આ સોનાના ખોટા ચેઈન પેટે ચાર લાખ ચૂકવી દઇ અને સસ્તામાં ચેઇન મેળવી લીધો હતો.
વેપારીએ સસ્તામાં સોનાનો ચેઈન મેળવ્યા બાદ આ ચેઈનની પરખ કરાવતા ચેઈન બનાવટી હોવાનું જણાતા વેપારીએ પંકજરામ મોટારામ, રમેશરામ મોટારામ અને એક અજાણી મહિલા સહિતના ત્રણ શખ્સોએ ચાર લાખની છેતરપિંડી આચર્યાની જાણ કરતા પીએસઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે શોધખોળ આરંભી હતી.