પોરબંદરમાં ગેરેજનો વ્યવસાય કરતા યુવાનની ઈકો કાર રેલવેમાં ભાડે રાખવાના બહાને વિશ્ર્વાસમાં લઇ કાર તથા કારના ઓરીજનલ દસ્તાવેજો મેળવી પચાવી પાડયાના જામનગરના શખ્સ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, પોરબંદરમાં ઠકકર પ્લોટ ગરબી ચોક વિસ્તારમાં રહેતાં ગેરેજ ચલાવતા શિરાજભાઈ અનુભાઈ વાંઢા નામના યુવાનની રૂા.4.73 લાખની કિંમતની જીજે-25-એએ-0326 નંબરની ઈકો કાર જામનગરના વામ્બે આવાસમાં રહેતાં રામ વેરશી કારીયા નામના શખ્સે તેનો રેલવેમાં ફોરવ્હીલ ભાડે રાખવાનો કોન્ટ્રાકટ હોય અને આ કોન્ટ્રાકટમાં શિરાજભાઈની કાર રાખવા માટે વાતચીત કરી વિશ્ર્વાસમાં લઈ ગત તા.25/5/2022 ના સાંજના સમયે જામનગરના દિગ્જામ સર્કલ પાસે બોલાવી ખોટી વિગતો જણાવી ઈકો કાર અને તેના ઓરીજનલ દસ્તાવેજો મેળવી લીધા બાદ રામે કાર અને દસ્તાવેજો પરત ન આપી વિશ્ર્વાસઘાત કર્યો હતો. અવાર-નવાર માંગણી કરવા છતાં પણ કાર પરત ન મળતા આખરે શિરાજભાઈએ કંટાળીને સિટી સી ડીવીઝનમાં છેતરપિંડીને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.બી. બરસબીયા તથા સ્ટાફે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.