વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ આવે છે. હાલના સમયમાં મહદ અંશે પ્રવાસીઓ પોતાનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરીને આવે છે. ત્યારે અહીંની જાણીતી હોટેલોના નામે ફેક આઈડી બનાવી અને ઓનલાઈન છેતરપિંડી સાચવવામાં આવતી હોવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
દ્વારકાની જાણીતી હોટલના નામથી થતી ઠગાઈ અને છેતરપિંડી અંગેનો વધુ એક બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં દ્વારકામાં આવેલી જાણીતી દ્વારકાધીશ લોર્ડ્સ ઇકો ઈન હોટેલના નામથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન કોઈ સાયબર ગઠિયાઓએ જુદી જુદી આઈડી મારફતે ઓનલાઈન ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. જેમાં ***** 53506, ***** 57071, 87556 *****, ***** 65 337 વિગેરે મોબાઈલ નંબર સાથેની અલગ અલગ વેબસાઈટ તેમજ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, આ શખ્સો દ્વારા એચડીએફસી બેન્કમાં ચોક્કસ નંબરના એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટનો ઉપયોગ કરીને દ્વારકા આવતા દર્શનાર્થીઓનું બુકિંગ કરવાના બહાને તેમના બેન્ક એકાઉન્ટમાં એડવાન્સ રકમ મેળવી લેવામાં આવતી હતી.
છેલ્લા આશરે સાડા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન હોટેલ બુકિંગના બહાને આશરે રૂપિયા બે લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અને દ્વારકાધીશ લોર્ડ્સ ઈકો ઈન હોટલના નામનો દુરુપયોગ કરી, દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ ઉપરાંત હોટલ સંચાલકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જયદીપભાઈ રાહુલભાઈ અશ્વાર (ઉ.વ. 35, રહે. દ્વારકા)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત ફેક આઈડી બનાવનારા તેમજ ચોક્કસ મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર ધરાવતા શખ્સો સામે આઈપીસી કલમ 120 (બી), 406, 420 તથા આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા છેતરપિંડી કરનારા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે.