ખંભાળિયા નજીક જાહેરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રીતે ખનીજ ભરેલા ડમ્પરો અગાઉ ઝડપાયા બાદ ગતરાત્રે અહીંના હાઈ-વે માર્ગ પરથી સ્થાનિક લોકો દ્વારા મોરમ ભરીને જતા ચાર ટ્રકોને અટકાવી, આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખંભાળિયાથી દ્વારકા તરફ જતા માર્ગ પર મંગળવારે મોડીરાત્રે અહીંના સ્થાનિક લોકોએ જનતા રેડ પ્રકારની કાર્યવાહી કરી, અત્રેથી આશરે દસેક કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટિયા પાસેથી પસાર થતા ચાર ડમ્પરોને અટકાવ્યા હતા. આ ટ્રકમાં મોરમ ભરીને લઇ જવાતી હોવાનું લોકોના ધ્યાને આવતા આના અનુસંધાને અહીંના ખાણ ખનીજ વિભાગ તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના પગલે અહીંના ખનીજ વિભાગના અધિકારીઓ આ સ્થળે દોડી જઈ અને ડમ્પરમાં ઓવરલોડ તથા રોયલ્ટી અંગેની કામગીરી કરવામાં આવી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર વિગતો પ્રકાશમાં આવી નથી. પરંતુ સંભવિત રીતે રોયલ્ટી ચોરી કે ઓવરલોડ ખનીજ અંગે તંત્ર દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરી માટે અગાઉ વગોવાઈ ચુકેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જામનગર માર્ગ પરથી જનતા રેડમાં ખનીજ ભરેલા ઝડપાયેલા કેટલાક વાહનોમાં ઓવરલોડ તથા ખનિજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત આ પ્રકારની કાર્યવાહીએ સ્થાનિક તંત્ર વિગેરેમાં ચકચાર જગાવી છે.
અધિકારીનો ફોન નો રિપ્લાય…: કામગીરી સામે સવાલો
જનતા રેડ પ્રકારની લોકો દ્વારા ખનીજ ભરેલા ડમ્પરો પકડવા અંગેની કામગીરી તથા આ અંગે તંત્રને રજૂઆતો ઉપરાંત ડમ્પરોમાંથી લેવામાં આવેલા મોરમ (ખનીજ) ના સેમ્પલો સહિતના મુદ્દે તંત્ર દ્વારા કામગીરીમાં ઢીલાશ કે બાંધછોડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ બાબતે સ્થાનિક અધિકારીને ફોન કરતા તેમના ફોન સતત નો રીપ્લાય આવા સાથે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા આ બાબતને પણ સૂચક ગણવામાં આવે છે. ખનીજની થતી ચોરી તથા તેનો રસ્તા માટે કરવામાં આવતો ઉપયોગ અને આ મુદ્દે તંત્ર દ્વારા કડક કામગીરી સાથે નિષ્ઠાનો અભાવ ટિકાસ્પદ ગણવામાં આવે છે. તંત્રની આ પ્રકારની ઢીલી કામગીરી ના કારણે આવી નીતિ-રીતિ સામે પણ કેટલાક સવાલો ઊભા થયા છે.