દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને રાત્રિના સમયે ઓખા નજીકના સિગ્નેચર બ્રિજ પાસેથી શંકાસ્પદ બોટમાં ચેકિંગ દરમિયાન ત્રણ ઈરાની નાગરિકો તેમજ એક ભારતીય મૂળના શખ્સ સહિત કુલ પાંચ આરોપીઓને દબોચી લઈ, આ શખ્સો પાસેથી માદક પદાર્થ, સેટેલાઈટ ફોન, ઈરાની ચલણ, જી.પી.એસ. ડીવાઈસ, પાસપોર્ટ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા સાંપળેલી સિલસિલા બંધ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સંવેદનશીલ એવા દરિયાઈ વિસ્તારમાં પોલીસના સધન ચેકિંગ કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતા ઓખા મરીન વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે જિલ્લા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયા તથા જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાના દરિયા પાસે આવેલા સિગ્નેચર બ્રિજ હેઠળ એક શંકાસ્પદ બોટ હોવાનું જાણવા મળ્યું હતું.
જેના અનુસંધાને ઓખા મરીન પોલીસ સ્ટાફ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમે મોડી રાત્રીના સમયે સધન કાર્યવાહી કરી, એક બોટમાંથી ચાર શખ્સોને દબોચી લીધા હતા. તેઓની ઝડતી તપાસમાંથી ઈરાની શખ્સ એવા મુસ્તુફા મહમદ સઈદ પાસેથી 10 ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો સાંપડ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ સમક્ષ જાહેર થયેલી વિગત મુજબ ઓખાના દરિયાઈ વિસ્તારમાં મોડીરાત્રે બોટ પેટ્રોલિંગ મારફતે એક બોટમાંથી શંકાના આધારે મૂળ તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુર ખાતે રહેતા અને એરોસ્પેસ એ.પી.સી.ના મિકેનિકલ એન્જિનિયર અશોકકુમાર અય્યપન મુથુરેલા નામના 37 વર્ષના શખ્સ સાથે માછીમારીનો વ્યવસાય કરતા ત્રણ ઈરાની નાગરિકો એવા મુસ્તુફા મહમદ સઈદ બલુચી (ઉ.વ. 38), જાશેમ અલી ઇશાક બલુચી (ઉ.વ. 25) અને અમીરહુસેન અલી શાહકરમ બલુચી (ઉ.વ. 19) નામના ચાર શખ્સોને આ બોટમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. આ બોટમાં ચેકિંગ દરમિયાન એક થુરાયા સેટેલાઈટ ફોન, રૂપિયા પાંચ લાખની કિંમતનો 10 ગ્રામ માદક પદાર્થ (હેરોઇન), આઠ નંગ મોબાઈલ ફોન, બે લેપટોપ, અઢી લાખની ઈરાની રીયાલની ચલણી નોટો, બોટ તથા એન્જિન, જી.પી.એસ. ડીવાઈસ, 15 નંગ એટીએમ કાર્ડ તથા ડેબિટ કાર્ડ ઉપરાંત બે નંગ પાસપોર્ટ મળી આવ્યા હતા.
આ પ્રકરણમાં વધુ ખુલવા પામેલી વિગત મુજબ તમિલનાડુના કોઇમ્બતુર ખાતેના પાલયમના મૂળ વતની અને ઓમાન દેશના મસ્કત ખાતે રહેતો આનંદકુમાર અય્યપન મુથુરેલા નામના 35 વર્ષનો શખ્સ કે જે બોટમાં આવેલા અશોકકુમાર મુથૂરેલાનો નાનો ભાઈ થાય છે, તે વિમાન મારફતે રાજકોટ આવ્યો હતો અને ત્યાંથી તેના ભાઈ અશોકને લેવા માટે ઓખા પહોંચતા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. જે માટે એલ.સી.બી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ, ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂની ટીમ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની કામગીરી કરવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે મસ્કતમાં રહેતા અશોકકુમાર અય્યપનને તેના સ્પોન્સર સાથે કોઈ બાબતે વાંધો થયો હોય, પાસપોર્ટ લઈને તેણે ભારતમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું. આ માટે અશોકને અનધિકૃત રીતે ભારતમાં પ્રવેશ કરવા માટે મસ્કતમાં રહેતો ડોક્ટર હુસેન નામનો શખ્સ કે જે તેનો મિત્ર હોય, અશોકને મદદ કરતો હતો. જેના બદલે તેણે 8,000 રીયાલ પણ ચૂકવ્યા હતા.
મસ્કતથી ઈરાન થઈને ગેરકાયદેસર રીતે નામ-નંબર વગરની ફિશીંગ બોટ મારફતે ત્રણ ઈરાની ક્રુની વ્યવસ્થા કરી, અશોક અત્રે આવવા માટે નીકળ્યો હતો. તેની સાથે એક સેટેલાઈટ ફોન પણ હતો. જેનાથી તે તેના મિત્ર હુસેન સાથે સંપર્કમાં રહેતો હતો. આમ, બોટમાંથી ત્રણ ઈરાની સહિત ચાર શખ્સો ઉપરાંત ઓખામાંથી મૂળ તામિલનાડુના વતની એવા એક શખ્સ મળી, કુલ પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ એક આરોપી પાસેથી મળેલું ડ્રગ્સ પર્સનલ યુઝ માટે હોવાનું તેમજ અહીં આવતા ફિશિંગ બોટમાં ઇંધણ ખલાસ થઈ જતા અહીંથી ઝડપાયેલા આનંદકુમાર દ્વારા તેઓને 200 લીટર ઇંધણની વ્યવસ્થા પણ કરવાની હતી.
આ સમગ્ર પ્રકરણમાં તમામ આરોપીઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ, પાસપોર્ટ એક્ટ તથા ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરી, રિમાન્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ તથા ટીમ સાથે એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા સાથે મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા, દ્વારકાના પી.એસ.આઈ. આકાશ બારસિયા, ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.