કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં આવેલી ખેતીની જમીન ચાર શખ્સોએ ગેરકાયદેસર દબાણ કરી પચાવી પાડી વધુ પૈસાની માંગણી કરતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર એ જી સોસાયટીની પાછળ આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં પ્રદિપસિંહ ઉર્ફે પદુભા નિકુલસિંહ સરવૈયા (ઉ.વ.48) નામના વેપારી યુવાનની કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં 488 રેવન્યુ સર્વે નંબર 332 (જૂના રેવન્યુ સર્વે નંબર 148/પૈકી 33 / પૈકી 2) વાળી ‘ચાંદલીના મારગવાળુ’ તરીકે ઓળખાતી હે. 0-80-94 વાળી ખેતીની જમીનમાં રમેશ રાણા મકવાણા અને હેમીબેન રાણા મકવાણા તથા જીતેન્દ્ર સોમા મકવાણા, ભરત દાના મુછડિયા નામના ચાર શખ્સોએ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી અને વેપારી યુવાનને ખેતીની જમીનમાં પ્રવેશ કરવા દેતા ન હતાં. તેમજ આ જમીન માટે વધુ રૂપિયાની માંગણી કરતા હોવાથી કંટાળીને વેપાળીએ જામનગર કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરતાં કલેકટર દ્વારા આદેશ કરાતા ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.