જામનગર તાલુકાના દડીયા ગામમાં એસઆરપીના એક જવાન ઉપર ચાર શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત એસઆરપીના જવાનને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. એસઆરપીના જવાનના ઘરની બાજુમાં જ રહેતા જૂગાર રમી રહ્યા હોવાથી તેઓનો વિડીયો ઉતારી લેતાં આરોપીઓ ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા અને ચેલા સેક્ટરમાં એસઆરપીના જવાન તરીકે ફરજ બજાવતા ભરત કુમાર ખેતાભાઇ દનેચા નામના યુવાને તેની બાજુમાં રહેતા કનુ બુધાભાઈ ઢચા, અજય કનુભાઈ ઢચા, બાબુ બુધાભાઈ ઢચા અને કિસન રાણાભાઇ શખ્સો જૂગાર રમી રહ્યા હોવાથી તેનો વિડિયો મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો. જે મામલે આરોપીઓએ બોલાચાલી કરી વિડીયો ડીલીટ કરવા માટે ધમપછાડા કર્યા હતા અને તલવાર-ધોકા પાઇપ જેવા હથિયારો સાથે એસઆરપીના જવાનના ઘરમાં ઘૂસી આવી હિચકારો હુમલો કરી દીધો હતો. બાદમાં યુવાનને જી.જી.હોસ્પિટલમાં અને ત્યાર પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ બનાવ અંગે પંચકોશી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જામનગરના દડીયામાં એસઆરપીના જવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
આરોપી જૂગાર રમતા હોવાથી તેનો વિડીયો ઉતારી લેતાં ચાર શખ્સો તલવાર ધોકા સાથે તૂટી પડ્યા : પોલીસ દ્વારા કાર્યવાહી