રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત્ છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે.