જામનગરની અવાર-નવાર ચર્ચામાં રહેતી જિલ્લા જેલમાંથી વધુ એક વખત પ્રતિબંધિત એવા ચાર મોબાઇલ ફોન એક સાથે મળી આવતા જેલનું તંત્ર ચોંકી ઉઠયું હતું અને ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાં ઘણાં સમયથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જો કે દુ:ખદ બાબત એ છે કે, આ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં અંદર આટલી સુરક્ષા વચ્ચે કેવી રીતે પહોંચે છે ? તે અંગે હજુ સુધી તપાસ થઈ નથી અથવા તો જાહેર કરાઇ નથી કેમ કે જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ આરોપીઓ સુધી પહોંચાડવા માટે જેલના અંદરના જ સ્ટાફની સંડોવણી વગર શકય જ નથી. સામાન્ય માણસએ જેલમાં મુલાકાત માટે જવું હોય તો પણ તલાસી લીધા વગર જવા દેતા નથી. ત્યારે ચાર-ચાર મોબાઇલ જેવી વસ્તુઓ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી જાય ? દરમિયાન ઈન્ચાર્જ જિલ્લા જેલ અધિક્ષક એન.કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકીંગ દરમિયાન યાર્ડ નં.4ના બેરેક નંબર 4 તથા 5 માં તલાસી લેતા સંદીપ શાન્તારામ શિંદે અને અર્જુન ઉર્ફ લાલો રમેશ રાઠોડના બાથરૂમના પગથીયા નીચેથી બે મોબાઇલ મળી આવ્યા હતાં
તેમજ હુશેન વલીમામદ સુમરાણીની પથારીમાંથી તથા સંદીપ સામજી ઝાલા (મકવાણા) ના થેલામાંથી એક-એક મોબાઇલ મળી આવ્યા હતાં. જેલ અધિક્ષકના સરપ્રાઈઝ ચેકીંગમા બેરેક નં.4 અને 5 માં એક સાથ ચાર-ચાર મોબાઇલ ફોન મળી આવતા પોલીસે ચાર આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઈ. આઈ. નોયડા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.