ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ ખાતે ગત સાંજે ચાર શખ્સો દ્વારા બઘડાટી બોલાવી, અહીંના કર્મચારીને બેફામ માર મારીને નુકસાની કરવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદર તાલુકાના કુછડીયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા ભરતભાઈ રામભાઈ ઓડેદરા નામના 34 વર્ષના યુવાન દ્વારા ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા જેઠા ભીમા માયાણી, ગગુ ડાવા માયાણી, ભોજા ભીમા માયાણી તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી ભરતભાઈ ઓડેદરા ગઈકાલે મંગળવારે સાંજના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે પર ધરમપુર વિસ્તારમાં આવેલા ટોલનાકા ઉપર ઇમરજન્સી લાઈન પર ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યા સહિત ચાર શખ્સો તેમની મોટરકાર લઈને અહીં આવ્યા હતા.
આ શખ્સોને ફરિયાદી ભરતભાઈએ વાહનો માટે નિયત કરેલી લાઈનમાંથી પસાર થવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈને ઢીકા-પાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા બેરીયર માટે લગાડવામાં આવેલા વેસલ સેપરેટરને તોડી નાખી, આનાથી આશરે રૂપિયા 50,000 જેટલું નુકસાન કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આમ, આરોપીઓ દ્વારા ટોલ ટેક્સ ન ભરવા બાબતે બોલાચાલી કરી, ઝઘડો કરી, ફરજ પરના કર્મચારીને માર મારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત દાતા ગામના ચાર સભ્યો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 427 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.