જામજોધપુર તાલુકાના ધોરીયાનેશ વિસ્તારમાં છોકરી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન ઉપર લાકડી અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભડાનેશ વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા ગોવાભાઈ મગનભાઈ ગળચર (ઉ.વ.26) નામના યુવાન ઉપર છોકરી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી મંગળવારે સાંજના સમયે રાજુ ગોવિંદ ભારાઇ, ગોવિંદ ભગા ભારાઇ, દાના ભગા ભારાઈ અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને લાકડી વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.