વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ખાંસી-શરદી માટેની 4 કફ સિરપ માટે એલર્ટ બહાર પાડ્યું છે. ડબલ્યુએચઓની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ કોલ્ડ-કફ સિરપ ગામ્બિયામાં 66 બાળકોના મોત અને કિડનીની ગંભીર સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે આ કફ સિરપમાં ડાઈથીલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલના અસ્વીકાર્ય પ્રમાણની પુષ્ટિ થઈ છે જે મનુષ્ય માટે ખૂબ જ ખતરનાક છે. એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટ બહાર પાડીને ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે, ’ચારેય કફ સિરપના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં ડાયથિલીન ગ્લાઈકોલ અને અથિલીન ગ્લાઈકોલનું અસ્વીકાર્ય પ્રમાણ મળી આવ્યું છે. અત્યાર સુધી માત્ર ગામ્બિયામાંથી દૂષિત ઉત્પાદનોના કેસ સામે આવ્યા છે. પરંતુ તે અન્ય દેશોમાં વિતરિત થઈ હોવાની પણ સંભાવના છે. હાલ ડબલ્યુએચઓ કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે આ અંગે તપાસ કરી રહી છે.’