Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરછેલ્લાં 24 કલાક દરમિયાન ભાણવડ પંથકમાં ચાર ઈંચ, જામનગરમાં અઢી ઈંચ

છેલ્લાં 24 કલાક દરમિયાન ભાણવડ પંથકમાં ચાર ઈંચ, જામનગરમાં અઢી ઈંચ

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ત્રણ દિવસ દરમિયાન હાલારમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટા સાથે પવનનું જોર વધવા તથા ભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેના પગલે છેલ્લા બે દિવસથી હાલારમાં વાતાવરણમાં ભારે ફેરફાર થવાથી દ્વારકા જિલ્લામાં ચાર ઈંચ અને જામનગર જિલ્લામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
ખંભાળિયા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા તથા ભારે ઝાપટા રૂપે ત્રણ ઈંચ (73 મીલીમીટર) વરસાદ વરસી ચુક્યો છે. હાલ ભારે પવન સાથે વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જોકે આજે સવારથી પવનની ગતિ થોડી ધીમી પડી છે અને સૂર્યનારાયણના દર્શન સાથે વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડ તાલુકામાં ચાર ઈંચ (97 મીલીમીટર), દ્વારકા તાલુકામાં ત્રણ ઈંચ (78 મિલિમિટર) અને કલ્યાણપુર તાલુકામાં પણ ત્રણ ઈંચ (72 મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે. પવન સાથે વરસાદના પગલે જુદા-જુદા અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બનવા પામ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના લાલપરડા તથા ભંડારીયા ગામે વીજપોલ પડી જતા આ વિસ્તારોમાં અંધાર પર છવાઈ ગયો હતો. જેને દુરસ્ત કરવા તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ખંભાળિયા – દ્વારકા માર્ગ પર તેમજ સલાયામાં વિશાળ વૃક્ષો જમીનદોસ્ત થતા પોલીસ તંત્ર દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

- Advertisement -

તેમજ જામનગર જિલ્લામાં પણ બિપરજોય ચક્રવાતની અસર હેઠળ સૌથી વધુ વરસાદ જામજોધપુર ગામ અને તાલુકામાં વરસી રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 65 મિ.મી. (અઢી ઈંચ) વરસાદ પડયો હતો. જ્યારે લાલપુરમાં 42 મિ.મી. (પોણા બે ઈંચ), કાલાવડમાં 25 મિ.મી. (એક ઈંચ), જામનગર શહેરમાં 30 મિ.મી.(પોણો ઈંચ), ધ્રોલમાં 17 મિ.મી. અને જોડિયામાં માત્ર ઝાપટું પડયું હતું. જિલ્લામાં ફૂંકાતા તેજ પવન અને વરસાદને કારણે અનેક સ્થળોએ ઝાડ તથા વીજપોલ પડી જવાની ઘટનાઓ બની છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત વીજપોલ, ટ્રાન્સફોર્મરના કારણે વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. વીજપૂરવઠાથી વંચિત થયેલા ગામડાઓમાં જામનગર અધિક્ષક ઈજનેર એલ.કે. પરમારના નેજા હેઠળ પીજીવીસીએલની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજપૂરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular