દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ભાણવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં તાલુકામાં આવેલા વર્તુ-2 ડેમમાં પાણીની ભરપૂર આવક થવાને કારણે સિંચાઈ વિભાગના ડેમના ચાર દરવાજા અડધો ફૂટ ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલો પાણીનો પ્રવાહ ધસમસતો નદીમાં વહેવા લાગતા નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જેમાં રાણપરડા, રાવલ, મોરાણા, મિયાણી, ગોરાણી, જારેરા, હર્ષદ, ગોરાણા, ગોધાવી, ભૂમિયાવદર, પારાવરા, સોઢાણા, ફટાણા, શિંગળા વગેરે ગામનો સમાવેશ થાય છે.