જામનગરમાં ક્રિકેટક્ષેત્રે અનેરૂં યોગદાન આપનારા પૂર્વ રણજી ખેલાડી વામનરાય દેવશંકર જાનીએ આજે સવારે 84 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. જીવન પર્યત તેઓ જામનગરમાં ક્રિકેટના ઉત્કર્ષ માટે યોગદાન આપતા રહયા છે.
પૂર્વ રણજી ખેલાડી અને જામનગર નિવાસી વામનરાય દેવશંકર જાની ઉ.વર્ષ 84નું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. વામનરાય સૌરાષ્ટ્ર વતી રણજી ક્રિકેટ પણ રમી ચૂકયા છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સિલેકટર પણ રહી ચૂકયા છે. જામનગરમાં ક્રિકેટના વિકાસ માટે કાર્યકરતી સંસ્થા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચૂકયા છે. ખેલાડી ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા વામનરાય જાની રેડક્રોસ જામનગરની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા રહયા છે. તેમજ ગુલાબ કુંવરબા ઇનફન્ટ વેલફેર એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી રહયા હતા. વામનરાય જાનીના નિધનથી જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં તથા તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. આજે સવારે નાગરપરા સ્થિત તેમના નિવાસસ્થાન દેવશ્રી ખાતેથી તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં શહેરના જાણીતા ક્રિકેટરો તેમના ચાહકો, ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો તેમજ ખેલાડીઓ તેમજ યુવા ખેલાડીઓ જોડાયા હતા.તેઓ તેમના એક પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.
પૂર્વ રણજી ખેલાડી વામનરાય જાનીનું નિધન
તેમની અંતિમ યાત્રામાં ક્રિકેટ પ્રેમીઓ, ચાહકો, ક્રિકેટરો સહિતના અગ્રણીઓ જોડાયા