શ્રાવણ માસમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં લોકમેળાનું મહત્વ ખૂબ જ રહેલું છે. વર્ષોથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે શ્રાવણ માસની શરૂઆત થયા બાદ એક સપ્તાહ પછી જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજથી વિધિવત રીતે ખુલ્લો મુકાશે. આ મેળાના આયોજન પૂર્વે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જુદી જુદી રાઈડ્સની ફિટનેસનું ટેસ્ટીંગ અને પરર્ફોમન્સ લાયસન્સની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે અને આ મેળામાં કોર્પોરેશન દ્વારા હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવે તેવી સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ વર્ષે પ્રદર્શન મેળામાં 58 પ્લોટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરંજનના 10 પ્લોટમાં 15 થી વધુ રાઈડો મૂકાઈ છે અને બાળકો માટે 17 થી વધુ રાઇડ ગોઠવવામાં આવી છે. ઉપરાંત 40 થી વધુ રમકડા-કટલેરી-ઈમીટેશન-જાદુના સાધનો અને ખાણીપીણીના તથા આઈસ્ક્રીમ સહિતના સ્ટોલ મુકાયા છે. મહાનગરપાલિકાના મેળામાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ-હોમગાર્ડ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ માટે ટેન્ટ મૂકવામાં આવ્યો છે તથા મેડીકલ ઈમરજન્સી માટે પણ ખાસ સહાય કેન્દ્ર રાખવામાં આવ્યું છે. ઉ5રાંત સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ વોચ રાખશે તથા મહાપાલિકા દ્વારા ેમેળાનો પાંચ કરોડનો વીમો લેવામાં આવ્યો છે.