ચોરવાડના યુવાનનો ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનના કબ્જામાંથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા અન્ય બે વ્યકિતઓના માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકીથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. આ બનાવને લઈ ધારાસભ્ય પોતે નિર્દોષ હોવાનો દાવો કરી મૃતક યુવાનની હત્યા થઈ હોવાની આશંકા વ્યકત કરી તટસ્થ પોલીસ તપાસની માંગ કરી છે. આ અંગે પોલીસે હાલ આકસ્મિક મૃત્યુની નોંધ દાખલ કરી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. દરમ્યાન યુવાનના મૃતદેહનું જામનગર જી.જી. હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ તકે જેમની સામે આક્ષેપ છે તે ધારાસભ્ય પણ ઉપસ્થિત રહયા હતા.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના માસીના દીકરા નિતીનભાઈ જમનભાઈ પરમાર (રહે.જુજારપુર રોડ, ચોરવાડ)નો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મૃતક યુવક મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. યુવકનો મૃતદેહ ચોરવાડની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. મૃતક નિતીનના કબ્જામાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પોતે ફાંસી ખાઈ આપઘાત કરે છે એમ લખીને ઉમેરાયું છે કે તેના માટે ત્રણ વ્યકિતઓ જવાબદાર છે. સોમનાથના ધારાસભ્ય વિમલ કાના ચુડાસમા, મનુભાઈ મકન કવા(રહે.પ્રાચી) અને અન્ય પ્રાચીના એક વ્યકિતના માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકીના કારણે આ પગલું ભરૂં છું તેમ લખેલી અને ફરતી બાજુ સહીઓ કરેલી સુસાઈડ નોટ મળી આવી છે.
આ સમગ્ર મામલે આક્ષેપ- પ્રતિ આક્ષેપ વચ્ચે નિતીન પરમારના મૃતદેહને ફોરેન્સીક પી.એમ. અર્થે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકના પરિવારજનો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મૃતદેહની સાથે જામનગર હોસ્પિટલે દોડી ગયા હતા. ત્રણ તબીબોની પેનલ દ્વારા મૃતક નિતીનનું પી.એમ. કરવામાં આવ્યું છે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ પોલીસ દ્વારા અલગ-અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. આ બનાવને લઈ જૂનાગઢ, ગીર-સોમનાથ સાથે સમગ્ર રાજયના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
આ સમગ્ર મામલે ચોરવાડના પીએસઆઈએ જણાવ્યું હતું કે, નિતીનનો મૃતદેહ તેમના મિત્રો હોસ્પિટલ ખાતે મુકી ગયા હતા. હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હોવાથી કોઈ બબાલ ન થાય તે માટે મૃતદેહને મુકીને તેમના મિત્રો ચાલ્યા ગયા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ એકસીડેન્ટલ ડેથ દાખલ કરી સુસાઈડનોટ કેટલી સાચી તેની તપાસ થયા બાદ અને તેમાં હેન્ડરાઈટીંગ એકસપર્ટ અભિપ્રાય મેળવી બાદમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ધારાસભ્ય સિવાયના સ્યુસાઈડ નોટમાં અન્ય બે નામ છે તે મૃતકના સાસુ અને સસરાના છે. મૃતકને સંતાનમાં બે પુત્રીઓ હોવાનું સામે આવ્યું છે.
’તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી મને ઓફર કરવામાં આવે છે પરંતુ હું જવાનો નથી જેથી આવી રીતે સંડોવી દબાણ ઉભું કરી ભાજપમાં લેવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવી પણ શકયતા છે. જો હું ભાજપમાં જોડાવ તો ભાજપમાં વોશીંગ પાઉડર હોવાથી શુધ્ધ થઈ જાય.’