ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આજથી રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. આજે ગુજરાતના 15 જેટલા શહેરોમાં 29 થી 31 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 5 અને 6 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા,પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ફરી એક વખત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં આ વર્ષે વારંવાર વરસાદ અને માવઠાના લીધે ખેડૂતોના પાકને ઘણું નુકશાન થયું છે તો બીજી તરફ બે દિવસ બાદ વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે.
ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આજથી ઠંડીમાં ઘટાડો થશે. અને 8 ડીસેમ્બર બાદ ફરી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.