સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવતી હોય છે. દિવસ રાત ખડે પગે રહેતા રેસિડેન્ટ ડોક્ટર્સ અને તેમના માર્ગદર્શક એવા તબીબી શિક્ષકોની મહેનત અહીં દાખલ દર્દીઓના ચહેરા પર સંતોષના સ્મિત સાથે ઝળકે છે. ત્યારે આ જુલાઈ મહિનામાં બે દર્દીઓના કીડનીની દૂરબીન વડે સૌ પ્રથમ વખત સફળ સર્જરી કરવામાં આવી છે.
તાજેતરમા જામનગરના એક 39 વર્ષના યુવાનને જમણી બાજુના પડખામા દુઃખાવો ઉપડતા જીજી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા અને તેમને પ્રાથમિક રીતે જમણી કિડનીમા નાની મોટી અનેક પથરીઓ હોવાનુ નિદાન થયું. બાદમાં દર્દીને સર્જીકલ યુનિટ 1 મા દાખલ કરવામા આવ્યા. જયારે અન્ય એક કિસ્સામા 62 વર્ષના એક પ્રૌઢને ડાબા પડખામા દુઃખાવો ઉપડતા જીજી હોસ્પિટલ લાવવામા આવ્યા અને આ બન્ને દર્દીઓની કિડનીઓ અત્યંત ફુલાઇ જવાથી કામ કરતી બંધ થઇ ગઈ હતી. બાદમાં સર્જરી વિભાગના તબીબોએ આ કામ ન કરતી કિડનીને રાખી મૂકવાથી થનારા નુકસાન વિશે જણાવ્યુ અને તેને કાઢી નાખવાની વાત કરી. બંને દર્દીઓના પરિવારોને આ વાત યોગ્ય લાગતા તેઓ બંને આ કિડની કઢાવવા માટે તૈયાર થયા.
સામાન્ય સંજોગોમા કિડનીનુ ઓપરેશન એટલે જે તે પડખામા મોટો ચેકો. પરંતુ એક તો કિડની કઢાવવાનુ દુઃખ, ઉપરથી લાંબો સમય અને ટાંકા પાકવાની તથા ચેકામાથી સારણ થવાની વધતી શક્યતા, એવી તમામ પીડાદાયક બાબતોના પરિણામે ડોક્ટરોને કંઇક સકારાત્મક અને નવિન કરવાનું સુજ્યુ. અને બાદમાં અત્યંત આધુનિક એવી લેપરોસ્કોપિક (દૂરબીનની) પધ્ધતિથી આ જટીલ શસ્ત્ર ક્રિયા શરૂ થઇ. દર્દીની કિડનીમા રસી હોવાનુંપણ જણાયુ. સામાન્ય સંજોગોમા આશરે 20-25 સેમી જેટલા લાંબા ચેકાથી થઇ શકતા આવા ઓપરેશનો અર્ધાથી એક સેમી ના ત્રણ-ચાર નાના કાણામાથી જ થઇ ગયા. અને બાદમાં કીડની કાઢીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
સામાન્ય રીતે પ્રાઈવેટ હોસ્પિટલોમા અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાના ખર્ચે થતી આ શસ્ત્રક્રિયા અત્રેની હોસ્પિટલમા વિનામૂલ્યે કરવામા આવી. દર્દી માટે તો આ સુખદ આશ્ચર્ય સોનામા સુગંધ ભળવા જેવું હતું. હાલ બંને દર્દીઓની તબિયત સ્વસ્થ છે.
સૌ પ્રથમ વખત જીજી હોસ્પિટલમાં દૂરબીન મારફતે કીડની દુર કરવાના સફળ ઓપરેશનમાં એ.સી.ઓ.ટી.મા ફરજ બજાવતા એનેસ્થેટિસ્ટ તેમજ ડો. વંદના સી. ત્રિવેદી,ડો. મીતા પટેલ, ડો. મીરા ઝાલા, ડો. આશિષ વેગડ, ડો. પારસ દોઢિયા ડો. ધ્વનિકા ઉપાધ્યાયનો પણ આ સર્જરીમાં સહયોગ મળતા સર્જરી વિભાગના તબીબો તેમજ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી અને મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઈના પણ આભારી થયા. સર્જીકલ યુનિટ 1 મા સમગ્ર અભિયાનની આગેવાની યુનિટ અને વિભાગના વડા ડો. સુધીર મહેતા, ડો. ફ્રેનલ એચ. શાહ, ડો. વિરલ જી. સાંગાણી, ડો. સંદીપ ભારાઇ તથા સર્જીકલ યુનિટ 1 ના રેસિડેન્ટ ડોક્ટર્સ અને સર્જીકલ યુનિટ 3ના વડા અને ડો. કેતન ડી. મહેતાએ ડો. દર્શન લાખાણી તથા સર્જીકલ યુનિટ 3 ના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા આ જટિલ સર્જરી પાર પાડવામાં આવી છે.
કોઇપણ પ્રકારના જશની અપેક્ષા વગર આ સફળતા માટે ઈશ્વરનો આભાર માનતા સર્જરી વિભાગના આ તબીબો દર્દીના ચહેરા પરના સ્મિત અને પરિવારને મળેલા હાશકારા તથા સંતોષને ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ ગણાવે છે.