રાજકોટમાંથી નકલી પનિરનો જંગી જથ્થો ઝડપાયા બાદ જામ્યુકોનું ફૂડ તંત્ર પણ હરકતમબાં આવ્યું છે. જામ્યુકોની ફૂડ શાખાના અધિકારીઓએ આજે શહેરના કામદાર કોલોની સહિતના વિસ્તારોમાં પનિર વિક્રેતાઓને ત્યાં ચકાસણી હાથ ધરી પનિરના નમૂનાઓ એકત્ર કર્યા હતાં. આ નમૂનાઓને વિસ્તૃત ચકાસણી માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જ્યાં ચકાસણી બાદ જો કોઇ ભેળસેળ જણાશે તો પનિર વિક્રેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલાં રાજકોટમાંથી નકલી પનિરનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો ભાવનગરથી આવ્યો હોવાનું માલુમ પડતાં ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. ભાવનગરથી સપ્લાય કરવામાં આવતો જથ્થો જામનગરમાં પણ આવ્યો છે કે કેમ? તે અંગેની તપાસ કરવા કમિશનરે આપેલી સૂચના બાદ ફૂડ વિભાગ સક્રિય બન્યું હતું. આજ સવારથી જ કાર્યવાહી ચાલી રહી છે. જે દિવસભર જુદી જુદી જગ્યાએ ચાલનાર હોવાનું ફૂડ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, પ્રાથમિક ચકાસણી દરમિયાન પનિરમાં કોઇ મિલાવટ કે ભેળસેળ જણાઇ નથી. પરંતુ વડોદરા લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.