ભાણવડ તાલુકાના ઢેબર ગામના સીમ વિસ્તારમાં રહેતા અયુબભાઈ સુલેમાનભાઈ હિંગોરા નામના એક આસામી તા. 01-06-2017 ના રોજ પોતાની વાડીમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપી રહ્યા હતા, તે દરમિયાન નજીકમાં વાડી ધરાવતા જુસબ ઉર્ફે ભીખુભાઈ શાહમામદ આરબી શાહમામદ હિંગોરા, મુસા શાહમામદ હિંગોરા, કાસમ જુસબ હિંગોરા, જુમા જુસબ હિંગોરા અને ઓસમાણ આરબી હિંગોરા નામના છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, એક સંપ કરી અને અયુબભાઈને મારી નાખવાના ઈરાદાથી ધારીયા, કુહાડી અને લોખંડના પાઇપ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આ બનાવમાં વચ્ચે પડેલા બીબીબેન હાજીભાઈ હિંગોરાને પણ માર મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી અને આરોપીઓ હથિયાર લઈને નાસી છૂટ્યા હતા.
આ પ્રકરણમાં યુસુફભાઈ સુલેમાનભાઈ હિંગોરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણના વિવિધ પુરાવાઓ તેમજ સરકારી વકીલ કમલેશભાઈ સી. દવેની દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપીઓ પૈકીના જુસબ ઉર્ફે ભીખુ શાહમામદ હિંગોરા અને આરબી શાહમામદ હિંગોરાને આઈપીસી કલમ 307 ના ગુના પાંચ વર્ષની સાદી કેદ તથા રૂપિયા 5,000 નો રોકડ દંડ તેમજ અન્ય ગુનાઓમાં પણ કેદની સજા ઉપરાંત વધુ 2,500 નો રોકડ દંડ અને જો દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.