Saturday, December 27, 2025
Homeરાજ્યદ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા

દ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા

ચારને બચાવી લેવાયા: એક યુવાનનો મૃતદેહ સાંપળ્યો

દેવભૂમિ દ્વારકા પંથકમાં ગઈકાલે શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ (બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરુણ બનાવની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સાંજે ગોમતીઘાટ નજીક વધુ એક કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં મુંબઈના એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે.

- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના 30 જેટલા યુવાનો વિગેરેના હરે રામ હરે કૃષ્ણનું ગ્રુપ દ્વારકા ખાતે આવ્યું હતું. જે પૈકી પાંચ જેટલા યુવાનો સાંજે આશરે છ વાગ્યે ગોમતીઘાટ નજીક સુદામા સેતુની સામેની સાઈડમાં દરિયામાં નહાવા માટે ઉતાર્યા હતા.

દરિયામાં ઉતરેલા આ યુવાનો ડૂબવા લાગતા આ બાબતે દ્વારકાના ફાયર સ્ટાફ તથા ઇમરજન્સી 108 નો સંપર્ક કરવામાં આવતા આ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. દરિયાના પાણીમાં ઉતર્યા બાદ એક યુવાન યેનકેન પ્રકારે તરીને દરિયાકાંઠે પહોંચવામાં સફળ થયો હતો. અને અન્ય ત્રણ યુવાનોને ફાયર ટીમે બોટ મારફતે ઉગારી લીધા હતા.
પરંતુ આ ગ્રુપમાં આવેલો મુંબઈના ગોર હરીપ્રભુ નામનો 22 વર્ષનો યુવાન ડૂબી જતા તેનો મૃતદેહ સાંપળ્યો હતો. આ બનાવે યાત્રિકો તથા મૃતકના પરિવારમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular