દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હોટેલ બુકિંગના નામે થતી ઠગાઈ તેમજ અન્ય પ્રકારે ઓનલાઇન છેતરપિંડી અને આ પ્રકારના વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. જેમાં પોલીસે વડોદરા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કુલ પાંચ શખ્સોને દબોચી લીધા છે. જેની અટકાયત બાદ પોલીસને અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ નવ ગુનાઓનો ભેદ ઉકેલવા સફળતા મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલાબંધ વિગત મુજબ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતા દર્શનાર્થીઓના વિવિધ પ્રકારે હોટેલ, ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે આંતરરાજ્ય ટોળકી સક્રિય થયાનું બહાર આવતા આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અને આ બાબતે જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસને તાકીદે કડક કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી લેવા માટેની અપાયેલી સૂચના અંતર્ગત જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી અને આવા પ્રકરણમાં ડમી પ્રિ-એક્ટિવ સીમકાર્ડનું વેચાણ કરનારા તથા ફેક વેબસાઈટ અને સીમકાર્ડનો ઉપયોગ કરી અને છેતરપિંડી કરવા તેમજ ન્યુડ કોલ ફ્રોડના પાંચ આરોપીઓને દબોચી લેવા માટે સફળતા મેળવી હતી.
આ પ્રકરણમાં પોલીસે વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા મોનાર્ક મહેશભાઈ પટેલ (ઉ.વ. 24), રાજસ્થાન રાજ્યના ડીગ જિલ્લાના કામા તાલુકામાં રહેતા ધનસિંઘ ગોપાલ ગુર્જર (ઉ.વ. 26), પહાડી તાલુકાના રસીદ જશમાલ મેવ (ઉ.વ. 24), મધ્યપ્રદેશ રાજ્યના રેવા જિલ્લાના હુઝુર તાલુકાના રહીશ અને વેબ ડેવલપર તરીકે કામ કરતા નીરજ સુશીલ ત્રિવેદી (ઉ.વ. 35), અને મધ્યપ્રદેશ રાજ્યના ખજુરીતાલના મૂળ વતની અને હાલ નહેરૂનગર (જી. રેવા, એમ.પી.) ખાતે રહેતા કૌશલેન્દ્રપ્રસાદ મોહનપ્રસાદ વર્મા (ઉ.વ. 32) નામના પાંચ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા મેળવવામાં આવેલી વિગત મુજબ માત્ર નવ ચોપડી ભણેલો વડોદરાનો મોનાર્ક મહેશભાઈ પટેલ અગાઉ એકાદ વર્ષ સુધી એરટેલ તથા જીઓ સિમ કાર્ડના વિક્રેતા તરીકે કામ કરતો હતો. તેના દ્વારા થોડા સમય પૂર્વે રાજસ્થાની ધનસિંગ તેમજ સંજી નામના શખ્સો સંપર્કમાં આવ્યા હતા અને રૂ. 350 માં ડમી સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું. આથી મોનાર્ક તેની પાસે આવતા ગ્રાહકોના આધાર નંબર અને ફિંગર પ્રિન્ટ મેળવી અને યુક્તિ-પ્રયુક્તિથી ડમી સીમકાર્ડ એક્ટિવ કરી, 30-40 સીમ કાર્ડ રાજસ્થાનના બંને શખ્સોને કુરિયર દ્વારા મોકલી આપતો. આ રીતે ડમી સીમકાર્ડનું રેકેટ ચલાવીને તેણે 600 થી વધુ સીમકાર્ડ રાજસ્થાનના ડિગ જિલ્લામાં મોકલાવી આપ્યા હોવાનું તથા આનાથી અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.
અન્ય આરોપી ધનસિંઘ ગોપાલ ગુર્જર 10 ચોપડી ભણેલો છે. તેણે વડોદરાથી પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડની ખરીદી કરી અને અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ કરનારા ગુનેગારોને વેચ્યા હોવાનું તેમજ અન્ય આરોપી તેના જ ગામના નફીસ નામના વ્યક્તિની સાથે મળી અને હોટેલ ફ્રોડના ગુનાઓમાં કામ કરતો હોવાને કબુલાત પોલીસ સમક્ષ થઈ છે.
ત્રીજો આરોપી રાસીદ જશમાલ ટીવાય.બી.એ.માં અભ્યાસ કરતો હોવાનું તથા તેના દ્વારા ખંભાળિયા પોલીસ મથક વિસ્તારના એક વ્યક્તિ સાથે ન્યૂડ વિડીયો કોલ કરી અને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તે વીડિયોના આધારે બ્લેકમેલીંગ કર્યું હતું. વધુમાં જે યુવતી ન્યૂડ વિડીયો કોલમાં દેખાઈ હતી, તે સ્ત્રીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાનો ફોટો મોકલી આપ્યા બાદ યુ-ટ્યુબર બની અને આ ન્યુડ વિડીયો કોલ રેકોર્ડિંગ અને આત્મહત્યાનો ફેમ ફોટો તેમજ ફેંક સ્યુસાઈડ નોટના આધારે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવવાની ધમકીઓ આપી અને રૂપિયા સાડા ચાર લાખની ઓનલાઈન છેતરપિંડી કરાયાનું પણ વધુમાં જાહેર થયું છે.
ચોથા આરોપી મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં રહેતા નીરજ સુશીલ દ્વિવેદી બી.ફાર્મ. સુધીનું ભણેલો છે. તેના દ્વારા યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઇન યુ.પી.એસ.સી.ના કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે. સાથે સાથે તે વેબસાઈટ ડેવલપિંગની કંપની પણ ચલાવે છે. તેના દ્વારા અન્ય આરોપી કૌશલેન્દ્રપ્રસાદ વર્માએ બી.ઈ. કોમ્પ્યુટર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું ખુલવા પામ્યુ છે. આરોપી નીરજકુમારની વેબસાઈટ બનાવતો હતો અને નીરજ તથા કૌશલેન્દ્ર સાથે મળીને 50 થી વધુ અલગ-અલગ ભારતના પ્રવાસન સ્થળોની જુદી-જુદી હોટલો તેમજ રિસોર્ટ બુકિંગની વેબસાઈટો બનાવી હતી. આ વેબસાઈટનું કામ આપનારા વ્યક્તિઓને એક વેબસાઈટના રૂપિયા 8 થી 10,000 ચૂકવતા હોવાની તેમજ પોતે 85 થી વધુ ફેક ગૂગલ એડ્સ બનાવી હોવાની પણ કબુલાત પોલીસ સમક્ષ અપાય હતી.
આ રીતે દેશના જુદા-જુદા રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ પોલીસ સ્ટાફ દ્વારા નક્કર કામગીરી કરી, અનેક હોટેલ બુકિંગ વેબસાઈટ તેમજ ગૂગલ એડ્સ બનાવનાર, પ્રી-એક્ટિવેટેડ ડમી સીમકાર્ડ વેચનાર, મેળવનાર, ઉપયોગ કરનાર તેમજ ન્યુડ કોલિંગ કરનારની ધરપકડ કરી લીધી છે. આટલું જ નહીં આ પ્રકારના વધુ ગુનાઓ શોધવા તેમજ આવા ગુનાઓને અટકાવવાની દિશામાં પણ સાયબર ક્રાઇમ સેલને મહત્વની સફળતા સાંપળી છે.
આ કામગીરી દરમિયાન ખંભાળિયા, દ્વારકા, આણંદ,અંબાજી તેમજ પહાડી (ડિગ-રાજસ્થાન)ના જુદા-જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ, આઈ.ટી. એક્ટ વિગેરેના જુદા-જુદા ગુનાઓનો ભેદ ખુલવા પામ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ, પી.એસ.આઈ. એસ.આર. ઝાલા, સુનિલભાઈ કાંબલીયા, એમ.એચ. ચૌહાણ, ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેસરિયા, હેમતભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, રાજુભાઈ, હેભાભાઈ, પબુભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
કોઈપણ વ્યક્તિ મોબાઈલ સીમકાર્ડની ખરીદી કરતી વખતે સીમકાર્ડ વિક્રેતા એકથી વધારે વખત ફિંગર પ્રિન્ટ આપવાનો કહે અથવા ફોટો, આધાર કાર્ડ એકથી વધારે વખત ઓનલાઇન અપલોડ કરવાનું કહે અથવા ફરી વખત પ્રોસેસ માટે બોલાવે તો આ અંગે ખાસ તકેદારી રાખવા તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઇન મિત્રતા ન કેળવવા તેમજ અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ ના ઉપાડવા સહિતની બાબતે સજાગ રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.