કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ એક શખ્સે ફાયરીંગ કરી બાળકી સહિત એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચાડી નાશી છુટતા કાલાવડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા ફાયરીંગ કરી નાશી જનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ફાયરીંગ અને મારામારીની ગંભીર ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવી છે અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. કાલાવડના હરીપર મેવાસા ગામે રહેતાં અને ફરિયાદી ફિરોજભાઈ કાસમભાઈ હાલાણી ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે બે દોહિત્રીઓ સાથે ફટાકડા ફોડવા બહાર નિકળ્યા હતાં તેઓ ફટાકડા ફોડતા હતાં ત્યારે યુનુસ તૈયબ હલેપોત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને ફટાકડા ફોડતા ફરિયાદીને ફટાકડા નહીં ફોડવા કહ્યું હતું. જેને લઇ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી યુનુસ તૈયબ હાલેપોત્રા દ્વારા પોતાની પાસે રહેલી ડબલ બેરલવાળી બંદુક દ્વારા ફાયરીંગ કર્યુ હતું. તેમજ અન્ય આરોપી આશિફ તૈયબ હાલેપોત્રા એ છરી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. ઘર આંગણે બઘડાટી બોલી કોલાહલ થતા અન્ય પરિવારના સભ્યો પણ બહાર દોડી આવ્યા હતાં.
અન્ય આરોપી આમીન યુનુસુ હાલેપોત્રાએ ફરિયાદી અને તેમના પરિવારજનો ઉપર છૂટા પથ્થરોના ઘા કર્યા હતાં. તેમજ અન્ય શખ્સ મામદ નાથા સમા દ્વારા પણ ફરિયાદી અને તેમના પરિવારજનોને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી હથિયાર વડે ફાયરીંગ કર્યુ હતું. આ ફાયરીંગ અને મારામારીની ઘટનામાં સીમાબેન હાલાણી, તાજુનભાઈ હાલાણી, તમન્નાબેન હાલાણી, આયશાબેન હાલાણી અને અશ્લીહાન મથુપૌત્રા, ફિરોજભાઈ હાલાણી સહિતના બાળકી સહિત પાંચ જેટલા સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ તમામ શખ્સો નાશી ગયા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટનાને પગલે કાલાવડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ દરમિયાન ઈજાગ્રસ્તોને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ફિરોજભાઈ કાસમભાઈ હાલાણી દ્વારા આ બનાવ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં આરોપી યુનુસ તૈયબ હાલેપૌત્રા, આશિફ તૈયબ હાલેપૌત્રા, આમિન યુનુસ હાલેપૌત્રા તથા મામદ નાથા સમા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અને ફાયરીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે પોલીસ દ્વારા ગનો નોંધી વ તપા હાથ ધરી હતી. ફાયરીંગની ઘટનાને પગલે નાના એવા ગામમાં સનસનાટી ફેલાઈ હતી.