જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી શખ્સે મકાન વેંચવાનું કહેતાં મહિલાએ ના પાડતા પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી છરી વડે મહિલા ઉપર હુમલો કર્યો હતો અને મહિલાની ત્રણેય દિકરીઓ ઉપર લાકડી-પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખેતીવાડી સિધ્ધાર્થનગર શેરી નં.4 માં મયુરનગર રોડ પર વિસ્તારમાં રહેતા રામીબેન ધનજીભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલાનું મકાન વેંચવા માટે મુકેશભાઈ પારીયા નામના શખ્સે જણાવતા મહિલાએ મકાન વેંચવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી મંગળવારે મધ્યરાત્રિના સમયે યોગેશ ચાવડા, ચિરાગ ચાવડા, કૈલાશ ઝાલા, મુકેશ પારીયા અને જીતુ પારીયા નામના પાંચ શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી તેમજ મહિલાની ત્રણ દિકરીઓ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમજ પાંચેય શખ્સોએ મહિલાને જો પોલીસ ફરિયાદ કરશો તો પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલી માતા તથા પુત્રીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.