- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન આ સિઝનનો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. ગઈકાલે રવિવારે જિલ્લામાં ભાણવડ પંથકને બાદ કરતા મહદ અંશે વરસાદી બ્રેક રહી હતી. જિલ્લામાં મોસમનો કુલ 16.81 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શનિવારે મેઘરાજા મહેરબાન થયા હતા અને બપોરથી શરૂ થયેલી મેઘસવારી શનિવારે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. આમ, શનિવારે સાડા ચાર ઈંચ (114 મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો.
ખંભાળિયા- ભાણવડ પટ્ટીમાં આવેલા માંઝા, કોલવા, ભાણ ખોખરી પાંચથી છ ઇંચ સુધી જેટલો વરસાદ વરસતા આ વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આ સાથે શનિવારે સમગ્ર તાલુકામાં સચરાચર વરસાદ વરસતા આ વરસાદ ઊભા મોલ માટે કાચા સોના સમાન સાબિત થયો હતો. આ સાથે શનિવારે ભાણવડ તાલુકામાં 42 તથા દ્વારકા તાલુકામાં 19 મી.મી. વરસાદ વરસી ગયો હતો.
જ્યારે ગઈકાલે ખંભાળિયા તથા કલ્યાણપુર પંથકના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા સિવાય નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આ વચ્ચે ભાણવડ પંથકમાં ભારે ઝાપટા રૂપે 11 મીલીમીટર તથા દ્વારકા તાલુકામાં છ મિલીમીટર વરસાદ રવિવારે નોંધાયો છે.
છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 114 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 53 મિલીમીટર અને દ્વારકા તાલુકામાં 25 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે સવારથી ખંભાળિયા પંથકમાં વરસાદી બફરા સાથે મેઘાવી માહોલ વચ્ચે ભારે ઝાપટાનો દૌર યથાવત રહ્યો હતો. જેથી શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 295, ભાણવડ તાલુકામાં 121, દ્વારકા તાલુકામાં 51 અને કલ્યાણપુર તાલુકામાં 38 મિલીમીટર મોસમનો કુલ વરસાદ થયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.
- Advertisement -