દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારના માછીમારો સાથેની એક ફિશિંગ બોટ ઓખાથી પાકિસ્તાન તરફની જળસીમામાં માછીમારી કરી રહી હતી, ત્યારે પાકિસ્તાની બોટ સાથે ટક્કર થયાના અહેવાલો સાંપળ્યા છે. જેમાં એક ખલાસીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય માછીમારોના અપહરણ થયાનું કહેવાય છે.
આ સમગ્ર પ્રકરણ અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા પાંજરી ઈરફાન અલાના નામના એક માછીમાર આસામીની અલ હુસેની નામની ફિશિંગ બોટ ગત તારીખ 15 માર્કના રોજ સવારના સમયે સાત ખલાસીઓ તથા માછીમારી સાથે બેટ દ્વારકા ખાતેથી માછીમારી કરવા માટે નીકળી હતી. આ બોટમાં 17 થી 55 વર્ષની ઉંમરના ખલાસીઓ-માછીમારો હતા.
આ ફિશિંગ બોટ ભારતની જળસીમા નજીક માછીમારી કરી રહી હતી, ત્યારે આ સ્થળે કોઈ કારણોસર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી વિભાગની બોટ સાથે તેઓની ટક્કર થઈ હતી. જેના કારણે આ બોટમાં જઈ રહેલો બેટ દ્વારકાનો રહીશ પાંજરી સાયર મામદ નામનો 19 વર્ષનો માછીમાર યુવાન મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમાં સવાર અન્ય છ જેટલા માછીમારો લાપતા બન્યા છે. ત્યારે મૃતક પાંજરી સાયરના મૃતદેહને દ્વારકા બાદ જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
અકસ્માતગ્રસ્ત ફિશિંગ બોટનો કાટમાળ તથા ઝાળ દરિયામાં જખ્ખો બંદરથી અંદાજિત 12 નોટિકલ માઇલ દૂર વિખેરાયેલો હોવાનું તેમજ તેમાં સવાર તમામ ખલાસીઓ લાપતા હોવા તથા પાકિસ્તાની એજન્સી દ્વારા પાંચ ખલાસીઓના અપહરણ થવા અંગે તંત્રને જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર બાબત અંગે ઓખાના મત્સ્યોદ્યોગ અધિકારી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા ઓખા મરીન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ગત તા. 21 માર્ચના રોજ બનેલા આ બનાવ અંગે સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ દિશાઓમાં આગળની કાર્યવાહી કરી છે. ઉપરોક્ત મુદ્દે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા સોશિયલ મીડિયામાં પણ કેટલીક બાબતો અંગે જાણકારી આપવામાં આવી હોવાનું કહેવાય છે.