શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી ટી-20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રને જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂટન્ટ શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન દઈને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે બે બેટર્સ રનઆઉટ થયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 25 બોલમાં 28 રન કર્યા હતા. વાનિન્દુ હસરંગા (21 રન 10 બોલમાં) અને ચમિકા કરુણારત્ને (23* રન 16 બોલમાં)એ પોતાની ટીમને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યા નહોતા. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.