અગ્નિવીરોની પ્રથમ બેચની ચાર મહિનાની તાલીમ પૂર્ણ થયા બાદ ગઈકાલે ઓડિશાના INS ચિલ્કા ખાતે 2,585 પાસિંગ આઉટ જવાનોની પરેડ યોજાઈ હતી. નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે સૂર્યાસ્ત બાદ આ યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં નવા ભરતી થયેલા જવાનોની સલામી લીધી હતી. સૂર્યાસ્ત બાદ યોજાયેલી પરેડ ભારતીય સશસ્ત્ર દળોમાં તેના પ્રકારની પ્રથમ પરેડ હતી. પરંપરાગત રીતે પાસિંગ આઉટ પરેડ સવારે યોજાવામાં આવે છે.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં પૂર્વ એથ્લેટ અને રાજ્યસભા સાંસદ પીટી ઉષા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ પણ હાજર રહ્યા હતા. પાસ થનારાઓમાં 272 મહિલા અગ્નિવીર છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે એશિયાના સૌથી મોટા ખારા પાણીના તળાવ ચિલ્કા તળાવમાં તાલીમ મેળવનારા આ અગ્નિવિરોને દરિયાઈ તાલીમ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે ઈંગજ ચિલ્કા ખાતે આપવામાં આવેલી તાલીમમાં ફરજ, સન્માન અને હિંમતના મૂળ નૌકા મૂલ્યો પર આધારિત શૈક્ષણિક, સેવા અને આઉટડોર તાલીમનો સમાવેશ થાય છે. કાર્યક્રમને સંબોધતા એડમિરલ હરિ કુમારે અગ્નિવીરોને જ્ઞાનનો મજબૂત પાયો, શીખવાની ઈચ્છા અને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવાની પ્રતિબદ્ધતા વિકસાવવા જણાવ્યું હતું.
આ સાથે એડમિરલ હરિ કુમારે અગ્નિવીરોને રાષ્ટ્ર નિર્માણ માટે નૌકાદળના કર્તવ્ય, સન્માન અને હિંમતના મૂળ મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રથમ બેચમાં અગ્નિવીર પણ સામેલ છે જે આ વર્ષે ડ્યુટી પર ભારતીય નૌકાદળની પ્રજાસત્તાક દિવસની પરેડ દળના એક ભાગ હતા. આ પરેડ કાર્યક્રમ બાદ અગ્નિવિરોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.