પંજાબના અમૃતસર જિલ્લામાં BSF (સીમા સુરક્ષા દળ)ના હેડક્વાર્ટરમાં રવિવારે સવારે એક જવાને ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગમાં 5 જવાનોના મોત થયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે, ફાયરિંગ કરનાર જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં લઈ જતા સમયે તેનું પણ મોત થયું હતુ. ફાયરિંગ કરનાર જવાનની ઓળખ 144 બટાલિયનના કોન્સ્ટેબલ સત્યપ્પા તરીકે થઈ છે. ડ્યુટી વિવાદ બાબતે ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
BSFના કોન્સ્ટેબલ સત્યપ્પાએ ફાયરિંગ કર્યું હતું. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કામના ભારણને કારણે સુતપ્પા ખૂબ જ પરેશાન હતો. આ બાબતે તેણે અગાઉ એક અધિકારી સાથે દલીલ પણ કરી હતી. રવિવારે સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મેસમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ફાયરિંગ બાદ કોન્સ્ટેબલ સત્યપ્પાએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. ચાર જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ સત્યપ્પા અને 2 ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટેહોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ સત્યપ્પાને મૃત જાહેર કર્યો હતો. મૃતક જવાનના પરિજનો અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.