જામનગરના ગાંધીનગર વિસ્તારમાં બ્રુકબોન્ડ ગ્રાઉન્ડના છેડે રાત્રિના સમયે સળગતા ફટાકડાના કારણે ફાયર ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબૂમાં લીધી હતી. બનાવની વિગત મુજબ સોમવારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવાળી જેમ ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમ્યાન જામનગર સહિત દેશભરમાં ફટાકડાઓ ફોડી રામમંદિર મહોત્સવમાં સહભાગી બન્યા હતાં. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં બ્રુકબોન્ડ ગ્રાઉન્ડના છેવાડે ગત રાત્રિના સમયે ફટાકડાના કારણે પ્લાસ્ટીક સહિતના કચરામાં એકા-એક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગ વિકરાળ બની ગઇ હતી. ઘટનાની જાણ થતા જામનગર ફાયર શાખાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીના ટેન્કર વડે આગને કાબૂમાં લેવાતા વિસ્તારવાસીઓએ રાહત અનુભવી હતી.