સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે, ગુલામ નબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે. કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપી દીધું હતું. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો.સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.
પાંચ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી ખરાબ હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના અસંતુષ્ટ જી-23 ગ્રુપની ડિનર મીટિંગ થઈ હતી. એ પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને વિદ્રોહની અટકળો શરૂ થઈ ગઈ હતી. CWCની બેઠકમાં સોનિયા અને રાહુલ-પ્રિયંકાએ પોતાના રાજીનામાની વાત કરી હતી, જેને બેઠકમાં જ નેતાઓએ ઠુકરાવી દીધી હતી. જોકે ત્યારથી જી-23 ગ્રુપ લોકસભા ચૂંટણી માટે ભરોસાપાત્ર વિકલ્પ રજૂ કરવાની વાત કરી રહ્યું હતું. એનાથી પાર્ટીમાં ફૂટનો ખતરો હતો. જોકે પછીથી આ ખતરો ટળી ગયો હતો. 10 જનપથ પર સોનિયા ગાંધી અને ગુલામ નબી આઝાદ વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાત પછી આઝાદે કહ્યું હતું કે સોનિયા ઈન્ટરિમ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. મેં પાર્ટીની મજબૂતાઈ માટે કેટલાંક સૂચનો કર્યાં છે. તેમની માગ પર સવાલ પૂછવામાં આવતાં આઝાદે કહ્યું હતું કે તેને હું જાહેર ન કરી શકું. આઝાદે પાર્ટીને એ સમયે ઝટકો આપ્યો, જ્યારે તેમના 20 વફાદારોએ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પદેથી રાજીનામું આપ્યું હતું. આ રીતે આઝાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટીમાં તે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગી રહ્યા હતા. જોકે હાઈકમાન્ડે નમી જવા કરતા તેમના રાજીનામાને જ સ્વીકારી લીધું.