જામનગર જિલ્લાના સુવરડા ગામની સીમમાં બુધવારની રાત્રીના સમયે એરફોરનું એક ફાયટર પ્લેન કોઈ કારણસર ક્રેશ થયું હતું. પ્લેન વાડી વિસ્તારમાં પડતા આગ લાગી હતી. જો કે વાડી વિસ્તાર હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી. પ્લેનમાં સવાર પાઇલોટને ગંભીર ઇજા પહોંચી હતી. પ્લેન ક્રેશ થવાથી આજુબાજુના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ, એરફોર્સ અને ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત પાઇલોટને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બિનસત્તાવાર મળતી વિગત મુજબ એક વ્યક્તિનું મોત નિપજયાનું જાણવા મળે છે. પરંતુ સત્તાવાર તંત્ર દ્વારા હજી સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.


