જામનગર શહેરના સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં મહિલા તેના ભાઈ અને ભત્રીજા સાથે એકટીવામાં જતાં હતાં ત્યારે તળાવની પાળ નજીક ગેઈટ નંબર-2 પાસે પહોંચ્યા ત્યારે સ્પીડબ્રેકરના કારણે એકટીવા પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી મહિલાનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 49 વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ કોલોની શેરી નંબર-5 માં રહેતાં કેતનભાઈ મણવર નામનો યુવાન તેના પુત્ર સમર્થ અને તેની બહેન જયાબેન સાથે બુધવારે બપોરના સમયે એકટીવા પર એ.કે.દોશી મહિલા કોલેજ તરફ જતા હતાં ત્યારે તળાવની પાળના ગેઈટ નંબર-2 પાસે આવેલા સ્પીડબ્રેકર આવતા એકટીવા ચાલકે કાબુ ગુમાવતા એકટીવા સ્લીપ થઈ જતાં પાછળ બેસેલા જયાબેન મણવર નામના મહિલા નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા મહિલાને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં મહિલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કેતનભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


