લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક રેલવે સ્ટેશનવાળી સીમમાં બાવળની ઝાળીઓમાં બુધવારે સવારના સમયે સળગાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવી ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરતા મૃતદેહ કાનાછીકારીના પ્રોઢનો હોવાનું અને તેની હત્યા તેના જ મોટા પુત્રએ ધોકો મારી ઢીમ ઢાળી દઇ લાશને સાળગાવી નાખ્યાનું ખુલતા પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી સીમ વિસ્તારમાંં બાવળની ઝાડીમાંથી સાડા દસેક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યા જાણ કરાતા લાલપુરના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આશરે પચાસેક વર્ષની વયના અજ્ઞાત પુરૂષના સળગી ગયેલા મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પહોંચાડયો હતો અને તબીબીની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
રિપોર્ટમાં તેને માથાના ભાગે બોથડ પદાર્થની ઈજા થઈ હોવાનું તારણ નિકળ્યું હતુંં. જેથી કોઇ અજ્ઞાત શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાનું કૃત્ય આચર્યુ હોવાનું તારણના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
દરમિયાન પોલીસે પીએમ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરતા મૃતક કાનાછીકારી ગામમાં રહેતા હાથીયાભાઇ પરબતભાઇ બાપોદરા (ઉ.વ.50)નો હોવાનું ખુલ્યુ હતું. તેમજ મૃતક પ્રોઢ બે દિવસથી ગુમ હોવા છતાં પરિવારજનોએ ગુમ નોંધ નોંધાવી ન હતી. જેની શંકા જતાં પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે તપાસ હાથ ધરતા મૃતક હાથીયાભાઇને દારૂ અને જુગારની ટેવ હોઇ જેથી તેની જમીન દારૂને જુગારમાં ઉડાવી દીધી હતી. તેમજ મૃતક તેના સસરાને જમીનમાં ખેતી કરતા હતા. પ્રોઢને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતાની જમીન વેચાઇ ગઇ હોવા છતાં દારૂ જુગારની લત છુટતી ન હતી. જેને કારણે ઘરમાં અવાર-નવાર ઝઘડા થતાં હતા. તેમજ બનાવના બે દિવસ પૂર્વે મૃતકને તેના મોટા પુત્ર રાજુ ઉર્ફે રાજેશ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે દરમિયાન પુત્ર રાજુએ પિતાના માથામાં ઘરમાં રહેલા ધોકા વડે એક જીવલેણ ઘા ફટકારતા પ્રોઢ પિતાનું ઢીમ ઢળી ગયું હતું. બાદમાં પુત્ર રાજુએ બનાવ ઉપર પડદો પાડવા માટે મૃતદેહને સીમમાં લઇ જઇ બાવળની ઝાળિયોમાં સળગાવી દઇ પુરાવાઓનો નાશ કર્યો હતો. પરંતુ સમગ્ર પ્રકરણમાં પોલીસની સર્તકતાને કારણે હત્યાનો ભેદ ઉકેલી ગણતરીના સમયમાં જ હત્યારા પુત્ર રાજુની ધરપકડ કરી ધોકો કબજે કરવા અને આ હત્યામાં અન્ય કોઇ વ્યકિતની સંડોવણી છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરી હતી.