સોમવારે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલ્યું, જોકે ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10%નો ઘટાડો છે.
આ પહેલ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટા ભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે. કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે. જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.
શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.89% વધીને 297.03 પોઇન્ટ પર 33,800.60 પર બંધ રહ્યો હતો. નેસ્ડેક 0.51%ના વધારા સાથે 70.88 પોઇન્ટ ઉપર 13,900.20 પર બંધ થયો હતો. SP 500 ઇન્ડેક્સ પણ 31.63 અંક વધીને 4,128.80 પર બંધ રહ્યો. એ જ રીતે ફ્રાન્સ અને જર્મનીનાં બજારોમાં પણ વધારો રહ્યો.
NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, 9 એપ્રિલે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 653.51 કરોડ રૂપિયા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 271.26 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ભારતીય શેરબજારમાં આજે સવારે એક તબકકે સેન્સેકસ 1300 પોઇન્ટ જેટલો નીચે સરકી ગયો હતો.