જામનગર તાલુકાના ધુતારપુર સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રી અને તેના પુત્ર એવા સહમંત્રી બંનેએ એકસંપ કરી મંડળીના બેંક ખાતામાંથી ચેકમાં બનાવટી સહી કરી રાસાયણિક ખાતરના સ્ટોકમાંથી માલ વેંચી રૂા.1.13 કરોડની ઉચાપાત કર્યાના બનાવમાં પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુતારપુરની સેવા સહકારી મંડળીના પૂર્વમંત્રી રાજેશ અમૃતલાલ ચાઉ અને પૂર્વસહમંત્રી તેનો પુત્ર જયેશ ચાઉ નામના બંને પિતા-પુત્રોએ એક સંપ કરી પૂર્વઆયોજિત કાવતરુ રચી ધુતારપર સેવા સહકારી મંડળીમાં કર્મચારી તરીકે ફરજ દરમિયાન મંડળીના બેંક ખાતાના ચેકોમાં ખોટી સહીઓ કરી ચેકો વટાવી લીધા હતાં તેમજ મંડળીના રાસાયણિક ખાતરનો માલ સ્ટોકમાંથી વેંચી માર્યો હતો. આ ખાતરના માલની રૂા.1,13,81,954 ની માતબર રકમ મંડળીમાં જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગ માટે મે 2020 થી સપ્ટેમ્બર 2022 સુધીના સમય દરમિયાન ઉચાપાત કરી પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી નાખી હતી.
આ ઉચાપાતની જાણ થતા અશ્વિનભાઈ ગલાણીએ છેતરપિંડી અંગે પોલીસમાં જાણ કરી હતી અને મંડળીના કર્મચારી તેમજ પૂર્વ હોદ્દેદાર રાજેશ ચાઉ અને તેનો પુત્ર જયેશ ચાઉ નામના બંને શખ્સો વિરૂધ્ધ પંચકોશી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ધુતારપુર સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રી રાજેશ ચાઉ અને તેનો પુત્ર પૂર્વ સહમંત્રી જયેશ ચાઉ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.