કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા પીઠાભાઈ પાલાભાઈ મકવાણાનો કુટુંબી ભાણેજ એક યુવતીને મોબાઈલ ફોનથી મેસેજ કરતો હોય, આ બાબતનું મન દુ:ખ રાખીને ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા હસમુખ ઉર્ફે હિતેશ હરીશભાઈ મકવાણા, હેમત હરીશભાઈ મકવાણા, પાલા વેરશી જોડ અને પ્રવીણ લખમણભાઈ ચોપડા સાથે આવેલા એક અજાણ્યા શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચી અને રિક્ષામાં પીઠાભાઈની દુકાને આવીને બિભત્સ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
જેથી પીઠાભાઈના પુત્રએ આરોપીઓને ગાળો આપવાની ના કહેતા આરોપી હસમુખ ઉર્ફે હિતેશ મકવાણાએ તેના પેન્ટના નેફામાં રહેલી છરી કાઢી, રાહુલને મારવા માટે ઉગામી હતી. પરંતુ તેને બચાવવા માટે તેના પિતા પીઠાભાઈ વચ્ચે પડતા તેમના હાથમાં તેમજ છરીનો બીજો ઘા તેમના સાથળના ભાગે વાગ્યો હતો. આ રીતે આરોપીઓએ ફરિયાદી પીઠાભાઈ ઉપર છરી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.