જામનગર શહેરમાં મંગળવારે તપાસમાં ગયેલા પોલીસકર્મચારી ઉપર પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના ઉપરાંત પિતા-પુત્રએ એક વૃદ્ધની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અન્ય ત્રણ સ્થળોએ માથાકુટ કરી વેપારી તથા વિદ્યાર્થીઓને લમધાર્યા હતાં. આ બનાવમાં પોલીસે પિતા અને બે પુત્રો સહિતના ત્રણેય શખ્સોએ સ્કોર્પિયો કાર સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ વજગોળ રવિ પાર્ક વિસ્તારમાં મંગળવારે ફરિયાદની તપાસ સંદર્ભે ફરજ પર ગયા હતાં. ત્યારે કાના કેસુર ભુતિયા અને સંજય કાના ભુતિયા નામના પિતા-પુત્રને પોલીસ સ્ટેશને આવવાનું કહેતાં બંને શખ્સો એ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી તેની જીજે-10-એસી-8183 નંબરની સ્કોર્પિયોમાં બેસી ગયા હતાં અને સ્કોર્પિયો કાર પોલીસકર્મી ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતાં પોલીસકર્મી ઘવાયા હતાં. બાદમાં પોલીસકર્મીને સારવાર માટે ખસેડી પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે પોલીસકર્મીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ઉપરાંત કાના ભુતિયા તેના પુત્ર સંજય ભુતિયા અને ભાવેશ ભુતિયા નામના ત્રણ શખ્સોએ પોલીસની હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન કાના ભુતિયા અને સંજય ભુતિયાએ મંગળવારે રવિ પાર્ક વિસ્તારમાં જુદાં-જુદાં સ્થળોએ માથાકૂટ કરી જે સામે આવે તેની ઉપર હુમલો કર્યાના બનાવમાં ચાર જુદી જુદી ફરિયાદો નોંધાઇ હતી તેમાં એક દુકાનમાં ઘુસી જઈ વૃદ્ધનું ગળુ દબાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એક જ દિવસમાં નોંધાયેલા પાંચ ફરિયાદ સંદર્ભે પોલીસે દાદાગીરી કરતા કાના ભુતિયા તેના પુત્ર સંજય ભુતિયા અને ભાવેશ ભુતિયા નામના ત્રણ શખ્સોને દબોચી લઈ તેની સ્કોર્પિયો કાર નંબર જીજે-10-એસી-8183 કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.